Gujarati Translation of “The Golden Bird” for IML Day Drive

By Dr. Jayanti Rusat

All entries to our IML Day Drive are licensed under CC BY 3.0

સોનાનું પક્ષી

એક રાજા હતો, તેની પાસે એક સુંદર બગીચો હતો, એ બગીચામાં એક વૃક્ષ હતું, તે વૃક્ષ ઉપર સોનાનાં સફરજન બેસતાં. આ સફરજનને હંમેશાં ગણવામાં આવતાં, તે પાકવાનાં શરૂ થયાં ત્યારે ખબર પડી કે રોજ રાત્રે તેમાંથી એક સફરજન ઓછું થતું. આ બાબતે રાજા ખૂબ ગુસ્સે થયો અને માળીને વૃક્ષ નીચે આખી રાત ચોકી રાખવાનો આદેશ આપ્યો. માળીએ તેના સૌથી મોટા પુત્રને ચોકી કરવા માટે રાખ્યો. પરંતુ લગભગ બાર વાગતાં જ તેને ઊંઘ આવી ગઈ અને સવારે ગણતરીમાં એક બીજું સફરજન ઓછું થયું. પછી બીજા પુત્રને ચોકી કરવાનો આદેશ આપવામાં આવ્યો. અડધી રાત્રે એ પણ ઊંઘી ગયો અને સવારમાં બીજું એક સફરજન ઓછું થયું. ત્યાર બાદ ચોકી કરવા માટે ત્રીજા પુત્રને દરખાસ્ત કરવામાં આવી; પ્રથમ તો માળી તેને કોઈ નુકસાન થઇ જશે તેવા ભયથી તેને તેમ કરવા દેવા નહોતો માગતો, પણ કોઈક રીતે, છેવટે તેને મનાવવામાં આવ્યો, અને યુવાન ઝાડ નીચે ચોકી કરવા માટે રોકાયો. ઘડિયાળના બાર વાગતાં જ હવામાં તેણે સુસવાટા મારતો ખખડાટ સાંભળ્યો, અને તેણે ઉડીને આવતું એક પક્ષી જોયું જે અસલ સોનાનું હતું. જેવું તે એક સફરજનને ચાંચથી તોડવા તરાપ મારતું હતું ત્યારે માળીનો પુત્ર ઉભો થઇ ગયો અને તેના તરફ તીર છોડ્યું. પરંતુ તીરથી પક્ષીને કોઈ નુકસાન ન થયું; માત્ર પક્ષીએ તેની પૂંછડીમાંથી એક સોનાનું પીંછું નીચે નાખ્યું અને ઉડીને દૂર ચાલ્યું ગયું. સવારે સોનાના પીંછાને રાજા પાસે લાવવામાં આવ્યું અને આખી પરીસદને ભેગી કરવામાં આવી. દરેકજણ એક બાબતે સંમત થયો કે રાજ્યની બધીજ સંપત્તિ કરતાં તે પીંછું વધારે મૂલ્યવાન હતું, પરંતુ રાજાએ કહ્યું, “એક પીંછું મારે કઈ કામનું નથી, મારી પાસે તો આખું પક્ષી હોવું જોઈએ.”

પછી માળીના સૌથી મોટા પુત્રએ સોનાના પક્ષીને મેળવવા સફર શરુ કરી અને તેને સહેલાઈથી શોધી કાઢવાનું વિચાર્યું, તે માત્ર થોડેક રસ્તે દૂર ગયો એટલામાં તો તે જંગલ નજીક આવી પહોંચ્યો, અને તેણે જંગલ પાસે એક શિયાળને બેઠેલું જોયું. તેણે તેનું તીર કામઠું લીધું અને શિયાળને મારવા તૈયાર કર્યું એટલે શિયાળ બોલ્યું, “મને મારીશ નહિ, કારણ કે હું તને સારી સલાહ આપીશ; હું જાણું છું કે તારું કાર્ય શું છે, અને તે છે તારે સોનાનું પક્ષી શોધવું છે. તું સાંજે એક ગામમાં પહોંચીશ, અને જયારે તું આગળ વધીશ ત્યારે  તું ત્યાં બે પથીકાશ્રમ જોઇશ જે એક બીજાની સામસામે છે, તેમાંનો એક જોતાંજ મનોહર અને સુંદર લાગે છે: તેમાં ના જઈશ, જોકે બીજો તને હલકો અને તુચ્છ લાગશે પણ તેમાં રાત્રી વિસામો કરજે.” પરંતુ છોકરાએ પોતાના મનમાં વિચાર્યું, ‘આવું એક જાનવર આ વિષે શું સમજી શકે?’ તેથી તેણે તેનું તીર શિયાળ તરફ ચલાવ્યું; પરંતુ તે નિશાન ચુકી ગયું અને શિયાળ તેની પૂંછડી પીઠ ઉપર કરી જંગલમાં નાસી ગયુ. પછી તે પોતાની રીતે આગળ વધ્યો, અને સાંજે તે ગામમાં આવ્યો, જ્યોં બે પથીકાશ્રમ હતા; આમાંના એકમાં લોકો ગાતા, નાચતા, અને મિષ્ટાન કરતા હતા; પરંતુ બીજો ખુબજ ગંદો અને તુચ્છ લાગતો હતો. તેણે કહ્યું “જો હું આ મોહક જગ્યા છોડીને તે હલકા પુરાના મકાનમાં જાઉં તો હું ખુબજ મૂર્ખ કહેવાઉં”; તેથી તે સારા દેખાતા મકાનમાં ગયો અને તેની અનુકુળતાએ ખાધુંપીધું અને પક્ષી તેમજ તેના દેશને પણ ભૂલી ગયો.

સમય પસાર થતો ગયો, મોટો પુત્ર પાછો ન આવ્યો કે ન તેના કોઈ ખબર સાંભળ્યા, તેથી બીજા પુત્રએ સફર શરુ કરી, અને તેની સાથે પણ તેજ વસ્તુ બની. તે શિયાળને મળ્યો, શિયાળે તેને સારી સલાહ આપી: પણ જ્યારે તે બે પથીકાશ્રમ પાસે આવ્યો ત્યારે તેનો મોટો ભાઈ જ્યાં મોજ મનાવાતી હતી તે પથીકાશ્રમની બારી પાસે ઉભો હતો, તેણે તેને અંદર બોલાવ્યો; તે પણ લાલચને રોકી ન શક્યો અને અંદર ગયો, અને એજ રીતે તે સોનાનું પક્ષી તેમજ તેના દેશને ભૂલી ગયો.

ફરીથી ઘણો સમય પસાર થઇ ગયો એટલે સૌથી નાના પુત્રએ પણ સોનાનું પક્ષી પામવા વિશાળ દુનિયામાં સફર ખેડવાની ઈચ્છા કરી, પણ ઘણા સમય સુધી તેના પિતાએ તે ગણકાર્યું નહિ, કારણકે તેમનો પુત્ર તેમને ખૂબ પ્રિય હતો, અને તે ગભરાયેલા પણ હતા કે કદાચ તેની સાથે પણ ખરાબ નશીબે કઇંક અજુગતું બનશે તો તે પાછો નહિ આવી શકે. કોઈપણ રીતે, છેવટે તેઓ માની ગયા કે તે જાય તે જ સારુ છે કારણકે તે ઘરે પણ આરામ કરવાનો નથી; અને તેણે સફર શરુ કરી, જેવો તે જંગલ પાસે આવ્યો, તે શિયાળને મળ્યો, અને તેજ સારી સલાહ સાંભળી. પરંતુ તેણે શિયાળનો આભાર માન્યો, અને તેણે તેના ભાઈઓની જેમ જીવવાની લાલચ ન કરી; તેથી શિયાળે કહ્યું, “મારી પૂંછડી ઉપર બેસી જા, તારી મુસાફરી ઝડપથી થશે.” તેથી તે બેસી ગયો, અને શિયાળે દોડવાનું શરુ કર્યુ, અને તેઓ ઝાડ-ઝાંખરાં અને પર્વતો ઉપર થઈને, એટલી ઝડપથી દૂર ગયા કે  તેમના વાળ પવનમાં સીસોટી બોલાવતા હતા.

જયારે તેઓ ગામમાં આવ્યા ત્યારે છોકરો શિયાળની સલાહ અનુંસર્યો, પોતાનો વિચાર કર્યા વગર તે હલકા પથીકાશ્રમમાં ગયો અને તેની અનુકુળતાએ આખી રાત ત્યાં આરામ કર્યો. સવારમાં તે જેવો મુસાફરી શરુ કરવા જતો હતો તેવું જ ફરીથી શિયાળ ત્યાં આવ્યું, તેને મળ્યું અને બોલ્યું, “કિલ્લા પાસે ન પહોંચે ત્યાં સુધી સીધો આગળ વધતો જજે, તે પહેલાં ગહેરી નીંદમાં ઊંઘતું અને નસકોરાં બોલાવતું સૈનિકોનું આખું દળ સુતેલું છે, તેમને ધ્યાનમાં ન લેતો પણ સીધો કિલ્લામાં જજે, અને જેમાં સોનાનું પક્ષી લાકડાના પાંજરામાં બેઠું છે તે રૂમ ન આવે ત્યાં સુધી આગળ વધતો રહેજે; તેની તદ્દન નજીક સોનાનું સુંદર પાંજરું ઉભેલું છે; પરંતુ તું હલકા પાંજરામાંથી પક્ષીને બહાર કાઢીને દેખાવડા પાંજરામાં મુકવાની કોશિશ ન કરતો, નહિ તો પછી તું પછતાઈશ.” પછી શિયાળે ફરી તેની પૂંછડી ફેલાવી અને યુવાન તેના ઉપર બેસી ગયો, અને તેઓ ઝાડ-ઝાંખરાં અને પર્વતો ઉપર થઈને, એટલી ઝડપથી દૂર ગયા કે તેમના વાળ પવનમાં સીસોટી બોલાવતા હતા.

જેમ શિયાળે કહ્યું હતું તેવું બધુ જ કિલ્લાના દરવાજા પહેલાં હતું: તેથી છોકરો અંદર ગયો અને રૂમ શોધ્યો જ્યાં સોનાનું પક્ષી લાકડાના પાંજરામાં લટકતું હતું, તેના નીચે સોનાનું પાંજરું ઉભેલું હતું અને તેની પાસે રાજાના બગીચામાંથી ગયેલાં ત્રણ સોનાનાં સફરજન પડ્યાં હતાં. પછી તેણે પોતાની અંદર વિચાર્યુ, “આવા સુંદર પક્ષીને આવા  હલકા પાંજરામાં લઇ જવું તે અયોગ્ય લાગશે”; તેથી તેણે બારણું ખોલ્યું, પક્ષીને પકડ્યું અને તેને સોનાના પાંજરામાં મુક્યું. પરંતુ પક્ષીએ એવી ઊંચેથી ચીસ પાડી કે બધા જ સૈનિકો જાગી ગયા, અને તેઓ તેને બંદી બનાવીને રાજાની સામે લઈ ગયા. બીજા દિવસે સવારે તેનો નિર્ણય કરવા માટે અદાલત બેસાડી; અને બધાએ સાંભળ્યું કે તેને મૃત્યુદંડ કરવામાં આવ્યો છે, સિવાય કે તે રાજાને સોનાનો ઘોડો લાવી આપે જે પવન જેવો તેજ ગતિએ દોડી શકે; અને જો તે તેમ કરશે તો તેને સોનાનું પક્ષી પણ આપી દેવામાં આવશે જે તે લેવા આવ્યો હતો.

તેથી નિસાસા નાખતાં અને ખુબજ નિરાશામાં તેણે ફરી એક વાર તેની સફર શરુ કરી. ત્યારે અચાનક તેનું મિત્ર શિયાળ તેને મળ્યું અને બોલ્યું, “તું જો હવે, મારી સલાહ ન શાભળવાના કારણે શું થયું તે, છતાં પણ, જો હું જેમ કહું તેમ તું કરીશ તો, હું તને કોઈપણ રીતે સોનાનો ઘોડો કેવી રીતે શોધવો તે કહીશ. તું સીધે સીધો જજે એટલે કિલ્લો આવશે, તે કિલ્લાના તબેલામાં ઘોડો ઉભેલો હશે, તેની બાજુમાં તેની દેખભાળ કરનાર અશ્વપાલ ગાઢ નિંદ્રામાં નસકોરાં બોલાવતો સુતો હશે, તું શાંતિ પૂર્વક ઘોડાને બહાર લઇ જજે: પરંતુ તેના ઉપર જુનું ચામડાનું પલાણ મુકવાનું ધ્યાન રાખજે, પણ તેના નજીકમાં સોનાનું પલાણ છે તે તેના ઉપર મુકતો નહિ.” પછી છોકરો શિયાળની પૂંછડી ઉપર બેસી ગયો, અને તેઓ ઝાડ-ઝાંખર અને પર્વતો ઉપર થઈને એટલા દૂર ગયાં કે તેમના વાળ પવનમાં સીસોટી બોલાવતા હતા.

બધું સીધે સીધુ આગળ ચાલ્યું, અશ્વપાલ તેનો હાથ સોનાના પલાણ ઉપર રાખીને નસકોરાં બોલાવતો સુતો છે. પરંતુ છોકરાએ જયારે ઘોડા તરફ જોયું ત્યારે તેને વિચાર આવ્યો કે તેના ઉપર ચામડાનું પલાણ મુકવું તે ખૂબ દયાજનક છે, “હું તેને સારું છે તે જ આપીશ,” તે બોલ્યો, “મને લાગે છે કે તે તેનો  હકદાર છે.” જેવું તેણે સોનાનું પલાણ લીધું કે અશ્વપાલ જાગી ગયો અને તેણે મોટેથી બૂમો પાડી, તેથી બધા ચોકિયાતો અંદર દોડી આવ્યા અને તેને બંદી બનાવ્યો, અને સવારમાં ન્યાય કરવા માટે ફરીથી અદાલત સામે લાવવામાં આવ્યો, અને તેને મૃત્યુનો આદેશ આપવામાં આવ્યો. પરંતુ એક વાતે સંમતી સધાઈ કે, જો તે ગમેત્યાંથી સુંદર રાજકુમારી લાવી શકે તો તેને જીવતો છોડી મુકવામાં આવશે તેમજ પક્ષી અને ઘોડો પણ તેને આપી દેવામાં આવશે.

પછી તે ખુબજ દિલગીરી પૂર્વક એના રસ્તે ચાલ્યો; પરંતુ પેલુ શિયાળ આવ્યું અને બોલ્યું. “તું કેમ મને સાંભળતો નથી? જો તે મારા કહ્યા પ્રમાણે કર્યું હોત તો, તું પક્ષી અને ઘોડો બંનેને લઇ ગયો હોત; છતાંપણ હું તને એક વાર વધુ સલાહ આપીશ. સીધા આગળ જવાનું ચાલુ રાખ, અને સાંજે તું કિલ્લા પાસે પહોંચીશ. રાત્રિના બાર વાગે રાજકુમારી સ્નાનગૃહ તરફ જાય છે: તેના પાસે જઈ તેણીને ચુંબન કરજે, એટલે તેણી તને પોતાને ભગાડી જવા દેશે; પરંતુ તેણી તેના માતા પિતાની રજા લેવા જાય તો તને પરેશાની થશે તેનું ધ્યાન રાખજે.” પછી શિયાળે તેની પૂંછડી ફેલાવી, અને તેઓ એટલે સુધી દૂર ગયા કે તેમના વાળ પવનમાં સીસોટી બોલાવતા હતા.

તેઓ કિલ્લા નજીક પહાંચા ત્યાં સુધી બધુ શિયાળે કહ્યું તેમ જ થયું, યુવાન બાર વાગે નાહવા જતી રાજકુમારીને મળ્યો અને તેણીને ચુંબન કર્યુ, અને તેણી તેના સાથે ભાગી જવા તૈયાર થઇ ગઈ, પણ તેણીએ આંખમાં આંસુ સાથે તેણીના પિતાની મંજૂરી લેવા જવા દેવા માટે તેને આજીજી કરી. પ્રથમ તો તેણે ના પાડી, પરંતુ તેણી ખુબજ રડવા લાગી અને તેના પગે પડી, છેવટે તેણે મંજુરી આપી, પરંતુ જે ક્ષણે તેણી તેણીના પિતાના મકાન પાસે આવી કે ચોકીદાર જાગી ગયો, અને ફરીથી તેને બંદી બનાવવામાં આવ્યો.

પછી તેને રાજા સમક્ષ લાવવામાં આવ્યો, અને રાજાએ કહ્યું, “મારી પુત્રી તને કદીપણ નહિ મળે, સિવાય કે તું મારી બારીમાંથી દેખાતા દ્રશ્યને અટકાવતા ડુંગરને આઠ દિવસમાં ખોદીને દૂર ન કરે. “આ ડુંગર એટલો મોટો હતો કે આખી દુનિયા તેને દૂર ન કરી શકે: જયારે તેણે સાત દિવસ કામ કર્યું છતાંય ઘણું ઓછું કામ થયું ત્યારે પેલું શિયાળ આવ્યું અને બોલ્યું, “લાંબો થઈને સુઈ જા; તારું કામ હું કરીશ.” અને તેણે સવારે ઉઠીને જોયું તો ડુંગર દૂર થઇ ગયેલો હતો; તેથી તે પ્રસન્નતાપૂર્વક રાજા પાસે ગયો અને રાજાને કહ્યું કે હવે તેણે ડુંગર દૂર કર્યો હોવાથી તેમણે રાજકુંવરી તેને આપી દેવી જોઈએ.

હવે રાજા તેનું વચન પાળવા મજબુર હતો, તેથી યુવાન અને રાજકુમારી દૂર ચાલ્યા ગયા; પછી શિયાળ આવ્યું અને યુવાનને કહ્યું, “આપણે રાજકુમારી, ઘોડો અને પક્ષી તે ત્રણે ત્રણને લઈશું.” યુવાન બોલ્યો, “ઓહ! તે તો બહુ મોટી વાત હશે, પણ તું કેવી યુક્તિથી તે કરી શકીશ?”

શિયાળ બોલ્યું, “જો તું માત્ર મારું સાંભળીશ તો તે કરી શકાય તેમ છે. જયારે તુ રાજા પાસે આવે, અને રાજા સુંદર રાજકુમારી માટે પૂછે ત્યારે તારે કહેવાનું કે, ‘તેણી અહી છે‘ પછી રાજા ખૂબ આનંદિત થઇ જશે; અને તે જે સોનાનો ઘોડો તને આપશે તેના ઉપર તું સવાર થઇ જજે, અને તેમની પાસેથી રજા લેવા તારો હાથ તેમના હાથમાંથી બહાર ખેચીં લેજે, અને છેલ્લે રાજકુમારીને હસ્તધૂનન કરજે. તે વખતે તેણીને ઝડપથી ઊંચકી લેજે અને ઘોડા ઉપર તારી પાછળ બેસાડી દેજે; ઘોડાની પીઠની બાજુમાં તારી એડીઓ મારજે અને તારાથી શક્ય હોય એટલી ઝડપથી દૂર ભાગી જજે.”

તે બધુ બરાબર થયું, એટલે શિયાળે આગળ કહ્યું, “પછી જયારે તું તે કિલ્લા પાસે આવે જ્યોં પક્ષી રાખવામાં આવ્યું છે ત્યારે હું દરવાજા આગળ રાજકુમારી પાસે ઉભો રહીશ અને તું ઘોડા ઉપર જ અંદર જજે અને રાજાને વાત કરજે, એટલે રાજા જોશે કે ઘોડો બરાબર છે કે નહિ અને પછી તે પક્ષીને બહાર લઈ આવશે; પણ તારે ઘોડા ઉપર સ્થિર બેસી રહેવાનું, અને કહેવાનું કે તે ખરેખર સાચેજ સોનાનું પક્ષી છે તે જાણવા તારે પક્ષી જોવું છે, અને જયારે તું પક્ષીને તારા હાથમાં લે ત્યારે તારી સવારી લઈ દૂર ભાગી જજે.”

આ “પણ” શિયાળે કહ્યું તેમ બન્યું; તેઓ પક્ષી લઇ આવ્યા, રાજકુમારી ફરી ઘોડા પર સવાર થઇ, અને તેઓની સવારી એક વિશાળ જંગલ પાસે પહોંચી. પછી શિયાળ આવ્યું અને બોલ્યું, “મને મારી નાખવાની હું તને પ્રાર્થના કરુ છું, મારું માથુ અને મારા પગ કાપી નાખ.” પરંતુ યુવાને તેમ કરવાનો ઇનકાર કર્યો: તેથી શિયાળ બોલ્યું, “હું તને કોઈ પણ કિંમતે સારી સલાહ આપીશ: તું બે બાબતથી સાવધાની રાખજે; કોઈને પણ ફાંસીના તકતામાંથી છોડાવવા માટે લાંચ ના આપીશ અને કોઈપણ નદીની બાજુમાં બેસીશ નહિ.” પછી તે દૂર ચાલ્યુ ગયું. અને યુવાને વિચાર્યુ “સરસ, તે સલાહ પાળવી કોઈ અઘરી બાબત નથી.”

રાજકુમારી સાથે મુસાફરી કરીને તે છેવટે તે ગામે આવ્યો જ્યાં તેણે તેના બે ભાઈઓને છોડ્યા હતા. ત્યાં તેણે શોરબકોર અને હંગામો સાંભળ્યો; જયારે તેણે પૂછ્યું કે શું બાબત છે ત્યારે લોકોએ કહ્યું, “બે માણસોને ફાંસીએ લટકાવવાના છે.” જેવો તે નજીક આવ્યો અને જોયું તો તે બે માણસો તેના બે ભાઈઓ હતા જેઓ લૂંટારાઓ બની ગયા હતા; તેથી તેણે પૂછ્યું, “કોઈપણ રીતે તેઓને બચાવી ન શકાય?” પરંતુ લોકોએ કહ્યું, “ના,” સિવાય કે તે તેના બધા પૈસા બદમાશો ઉપર પ્રદાન કરે અને તેમની મુક્તિ ખરીદે. પછી તો તે કોઈ પણ બાબતનો વિચાર કરવા રોકાયો નહિ અને કહેવામાં આવ્યા તે બધા પૈસા તેણે ચૂકવી દીધા અને તેના ભાઈઓને છોડાવ્યા, અને તેમની સાથે તેમના ઘર તરફ જવા નીકળ્યો.

તેઓ પ્રથમ વાર જ્યોં શિયાળને મળ્યા હતા તે જંગલ પાસે આવ્યા, તે એટલું ઠંડું અને ખુશનુંમા હતું કે બે ભાઈઓએ કહ્યું, “ચાલો નદીની બાજુમાં થોડોક સમય ખાવાપીવા માટે બેસી જઈએ અને આરામ કરીએ,” તેથી તેણે “હા” પાડી, શિયાળની સલાહ ભૂલી ગયો અને નદીની બાજુમાં બેસી ગયો; અને તેને કોઈપણ વહેમ ન પડ્યો તે દરમિયાન તેના ભાઈઓ પાછળથી આવ્યા અને તેને નદીમાં નીચે ફેંકી દીધો, અને રાજકુમારી, ઘોડો, અને પક્ષી લઇને તેમના સ્વામી રાજા પાસે ગયા, અને કહ્યું, “આ બધુ અમે અમારી મહેનતથી જીત્યા છીએ.” અને પછી ભવ્ય આનંદ માનાવવામાં આવ્યો, પરંતુ ઘોડાએ ખાધું નહિ, પક્ષી ગાયું નહિ અને રાજકુમારી રડ્યા કરી.

સૌથી નાનો પુત્ર નદીના તટમાં પડ્યો હતો: સદનસીબે નદી લગભગ સુકી હતી, છતાંપણ તેનાં હાડકાં લગભગ ભાગી ગયાં હતાં, અને કિનારો સીધા ઢોલાણ વાળો હતો જેથી તે બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધી શક્યો નહિ. ત્યાં તો પેલું શિયાળ ફરી એકવાર આવ્યું અને તેની સલાહ ન માનવા માટે તેને ખૂબ ઠપકો આપ્યો; અને કહ્યું કે જો તેણે તેનું કહ્યું માન્યું હોત તો આવી કોઈ આફત તેના ઉપર આવી પડી ન હોત. “તેમ છતાંય,” તેણે કહ્યું, “હું તને અહી આ સ્થિતિમાં છોડી શકું નહિ, તું મારી પુંછડી બરાબર મજબુત પકડ,” પછી તેણે તેને નદીમાંથી બહાર કાઢ્યો, અને જેવો તે કિનારા ઉપર આવ્યો કે શિયાળે કહ્યું, “તારા ભાઈઓએ જો તેઓ તને રાજ્યમાં શોધી કાઢે તો તને મારી નાખવા માટે ચોકી પહેરો ગોઠવ્યો છે.” તેથી તેણે ગરીબ માણસ જેવાં વસ્ત્રો ધારણ કર્યાં અને ગુપ્ત રીતે રાજાની અદાલતમાં આવ્યો, જેવો તે થોડોક દરવાજામાં દાખલ થયો કે ઘોડાએ ખાવાનું શરુ કર્યું, પક્ષીએ ગાવાનું ચાલુ કર્યું, અને રાજકુમારીએ રડવાનું છોડી દીધું. પછી તે રાજા પાસે ગયો અને તેના ભાઈઓની બધી જ બદમાશી કહી સંભળાવી; પછી તેના ભાઈઓને ગિરફતાર કરવામાં આવ્યા અને સજા કરવામાં આવી, અને તેને રાજકુમારી પાછી આપવામાં આવી; અને રાજાના મૃત્યુ બાદ તેના રાજ્યનો તે ઉત્તરાધિકારી હતો.

ઘણા સમય પછી, તે જંગલમાં ચાલવા માટે ગયો, અને તેને પેલું શિયાળ મળ્યું, અને આંખમાં આંસુ સાથે શિયાળે પોતાને મારી નાખવા, અને તેનું માથુ અને પગ કાપી નાખવા, તેને ખૂબ આજીજી કરી. અને છેવટે તેણે તેમ કર્યું, અને એક ક્ષણમાં તો તે શિયાળ માણસમાં બદલાઈ ગયું, અને તે રાજકુમારીનો ભાઈ હોવાનું જાહેર થયું, જે ખૂબ ઘણા વરસો પહેલાં ખોવાયો હતો.

Leave a Reply